જ્ઞાનોન્મેષ.નવું પર્વ, નવા આયામ
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપનાને ૧૧ વર્ષ પૂરાં થયાં છે. નવું પર્વ શરૂ થયું છે. ઘણા નવા આયામો પણ શરૂ થયા છે. ઘણી નવી ક્ષિતિજો દેખાઈ રહી છે અને એ ક્ષિતિજોને આંબવા માટે નવા ઉત્સાહ સાથે અનેક સહયાત્રીઓનાં ડગ એ દિશામાં મંડાયાં છે. અવનવાં લક્ષ્ય ભણી નિશાન તંકાયાં છે. એ લક્ષ્યો સુધી પહોંચવા માટે નવી નવી કેડીઓ કંડારાઈ રહી છે.
એમાંય એક નવીન કેડીના એક નવીન સોપાનનું નામ છે – જ્ઞાનોન્મેષ.
.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની આ નવી ત્રિમાસિક જર્નલ છે. જ્ઞાનોન્મેષ.
જર્નલમાં ત્રણ ભાષાનો સ્પર્શ હશે – ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. આ ત્રણ ભાષાઓના ત્રિવેણીસંગમનાં જળથી અભિષિક્ત એવી આ જર્નલ ગુજરાતના ખૂણેખૂણાને ભીંજવશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યવ્યાપમાં આવતા બાળકેન્દ્રિત અનેક વિષયો માટે કાર્યરત એવા સર્જકો અને સંશોધકો પોતાના વિદ્વત્તાપૂર્ણ લેખ આ જર્નલ માટે મોકલી શકશે.
હવે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એની શિશુ-બાલ અવસ્થાને ઓળંગી તરુણાઈમાં પ્રવેશી છે. એના વિષયો અગણિત છે. સમાજની ચેતનાનું જાગરણ કરી શકે એવાં અનેક અભ્યાસક્રમો, વિષયો અને સંદર્ભસાહિત્ય-પુસ્તકોનો આગાર અહીં સર્જાયો છે. આ યુનિવર્સિટી હવે ૭ સ્કૂલોના છત્ર નીચે ૧૧ વિભાગો અને ૩૫ અભ્યાસક્રમો આગામી વર્ષોમાં ચલાવાની છે. આ બધું અનેક પ્રકારની વિવિધતાઓથી સભર છે, જે અન્ય યુનિવર્સિટીઓથી અનોખું હશે. સમાજજીવન અને એના પ્રશ્નો સાથે સક્રિયપણ જોડાયેલી અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ આ યુનિવર્સિટીની વિશેષતાઓ અને વિવિધતાઓને સમજે અને સહયોગ કરે એ પણ ખૂબ જરૂરી છે. બાળકના જન્મથી એ તરુણાઈમાં પ્રવેશે તે દરમિયાન દરેક તબક્કે એની શારીરિક, માનસિક, બૌદ્ધિક આવશ્યકતાઓ અને એનું વર્તન બદલાતાં રહે છે. માનવવિકાસના ક્રમમાં આવતા આવા પ્રત્યેક સૂક્ષ્મ અવલોકન અને પ્રજ્ઞાનની આવશ્યકતા હોય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ પ્રકારના વિષયો તેમજ ચિંતન-મનનમાં સહભાગી થઈ શકે એવા બધા ચિંતકો અને અભ્યાસીઓને આવકારે છે અને આ નાવીન્યસભર પ્રયોગને પુષ્ટ કરવાના પુણ્યકર્મમાં જોડવા ઈચ્છે છે.
જ્ઞાનોન્મેષ.
એટલે નવ-સ્ફુરણ. નવીન સંકલ્પનાઓ સાથે વિકાસની આગેકૂચ.
જ્ઞાનોન્મેષ.
ના શુભારંભે હું પણ અદમ્ય ઉત્સાહ, સ્ફૂર્તિ અને આનંદ અનુભવું છું અને આ પત્રિકા-જર્નલ સાથે જોડાયેલા પ્રત્યેક કાર્યકર્તાઓના પરિશ્રમ અને પુરુષાર્થને બિરદાવું છું.
હાર્દિક શુભ કામનાઓ સાથે અલ્પ-વિરામ !
શુભાકાંક્ષી
ડૉ. હર્ષદ એ. પટેલ
કુલપતિ
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
ગાંધીનગર